એક કર્મચારી આવીને કહેશે
પુરાવો આપો તમે ભારતના નાગરિક છો.
અને તમે તરત જ તિજોરીનું તાળું ખોલશો,
આધારકાર્ડ, પાન કાર્ડ ને ચૂંટણી કાર્ડ આલશો,
તરત એ કહેશે, તમારા પિતા
ભારતના નાગરિક હતા એનોય પુરાવો આપો.
તમે થોડા મૂંઝાશો, પિતાને ફોન કરશો,
એ વોટ્સએપમાં કાગળિયા મોકલશે,
એ થોડો સમય ચકાસણી કરશે,
તમને ફરી કહેશે, દાદાનું શું???
તમે પિતાને ફરી ફોન જોડશો,
પિતા કહેશે દાદાનો તો ફોટોય નથી,
ઇ કોઈ નિશાળે ભણ્યા નહોતા,
દાદા તો બસ દાદા હતા,
ધોળા લૂગડાં પહેરતા,
માથે પાઘડી બાંધતા,
પાંચ માણાહ માં પૂજાતા,
નાતના પટેલ હતા,
નવેય પરગણામાં નામ હતું હો,
પણ દાદાનું કોઈ કાગળીયું નથી.
એ કહેશે તો દાદા ભારતના નાગરિક ન કહેવાય,
એટલે પિતા કે તમેય ભારતના નાગરિક નથી.
તમને ધ્રાસકો પડશે,
તમે કહેશો,
પાંચ હજાર વર્ષથી અમે મૂળનીવાસી છીએ,
અમારી તો પેઢીઓ અહીં જન્મી ને મરી છે,
વિદેશી તો તમે છો, તોય અમે તમને નાગરિક
જ સમજ્યા,
સંવિધાનમાં તમનેય હક આપ્યો,
જીવવાનો, સન્માનનો.
બાબાએ તો તમારા સાથે ભેદભાવ નહોતો કર્યો,
તમારા મનમાંથી ભેદભાવ કેમ જતો નથી?
અને તોય એ તમને નાગરિક માનવાનો
ઇનકાર કરશે,
તમ વિરોધ કરશો, લડશો, મરશો,
પછી, હળવેકથી એ ઝુકશે,
નિયમ બદલશે,
ને તમારા પિતાના કાગળ પર,
તમને નાગરિક માનશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો