ગુરુવાર, 23 જુલાઈ, 2020

દસ વર્ષની દીકરી

વહેલી સવારે વાસણ ખખડવાનો અવાજ સાંભળી એની ઊંઘ નથી ઊડતી,
પણ, માં ના હાથની બંગડી જ્યારે,
રોટલા ટીપતા ખનકે છે એ ઝબકીને જાગી જાય છે.

ફટાક દઈને ગોદડું બાજુમાં મૂકી એ આંખો ચોળતી
ઓસરીમાં ઉભી રહીને માં ને કામ કરતી જુએ છે.

આંગણે ચકલી-કબૂતર દાણા  ચણે છે,
ને એ દાતણ કરતી કરતી ફળિયું વાળે છે.

રસોડામાં જઈને ચા-રોટલી  ખાઈને ઘરનાં 
વાસીદા વાળે છે.
માબાપને ટિફિન ભરી મજૂરીએ જતાં નિહાળતી એ,
બાકીના કામે લાગે છે.

વાસણ, કચરા-પોતા, પાણી ભરીને,
થાકે ત્યાં ભાઈને નવડાવે છે.
જોતજોતામાં દસના ટકોરા પડે છે ને,
એને ફાળ પડે છે.

સાહેબનું લેશન તો હજુ બાકી જ છે,
ને એ દફતર ભરી નિશાળ તરફ ભાગે છે.

એક કિલોમીટર ચાલીને જતાં ભાઈના,
દફ્તરનો પણ ભાર વેંઢારે છે.

નિશાળના આંગણામાં છાંયડે બેસીને,
લેશન પૂરું કરે છે.
ઘરે લેશન પૂરું કરીને આવતા હોય તો,
એ સાંભળી એ નીચું જોવે છે.

શાળા સફાઈ, વૃક્ષને પાણી પાવું, 
બેન અને સાહેબની સેવા કરતી,
એ સાંજે પાંચના ટકોરે ઘર તરફ દોડે છે.

અરવાણા પગે દોડતા કોક દિવસ
કાંટો ને કાંકરોય વાગે છે.

ઘરે પહોંચતા જ ફરી, વાસણ, કચરા ને કપડાંનું 
કામ નજરે ભાળે છે.

મજૂરીએ થી આવેલ માનો ચહેરો જોઈને,
દસ વર્ષની દીકરી સ્ત્રી બનીને કામે લાગે છે.

9/9/2019

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સટાક

એક'દિ તુલસીદાસ ને વાંચવા બેઠી એ સ્ત્રીને ચોંકી ઉઠી,  ઢોલ ગવાર શૂદ્ર અપી નારી, સબ તાડન કે અધિકારી. ને પછી તો,  સંસ્કૃત માં પીએચડી કર્યું,...