આતે કેવો તે'વાર,
ઇ આવેને ચાલુ થઇ જાય વે'વાર.
દારૂની મહેફિલ
જુગારના અડ્ડાને
મટનની થાય મીજબાની.
ઇમના ખેતરે પાણી છેટેથી
દેતા ખેતરવાળા,
આજ ઇમની પડખે બેસીને
જુગાર ખેલે,
ચોળેલા માવા ખાઈને
એક જ ગલાસમાં
દારૂય પીવે.
અઢારેય વરણનાં
નાના-મોટા સહુએ
ગામના છેવાડે પેલા
લોકની વાડીની ઝૂંપડીમાં
મેલા-ઘેલા પાથરણે બેસી
ખાઈ પીવેને મોજ કરે.
પેલા શાહુકારના દિકરા
રાહ જોઈ બેસે
રમે નહિ ને રમાડે.
દસ-વીસ ટકે નાણાં ધીરે
પછી, પઠાણી ઉઘરાણીય કરે.
મારો દારૂડિયો ઘરવાળો ને છોરો
નશામાં ને નશામાં
જુગાર રમે, ઊછીનાં લે,
સાતમનો નશો ઉતરે
ને પછી, એને ધ્રાસકો પડે.
ચ્યમ કરી પૈસો દેશું પાછા,
ચિંતામાં પડે પછી બરડો
મારો વીંઝેને, મારી ઝૂડીને
મંગળસૂત્ર લઈ ફરે.
ચાલીસ હજારમાં લીધેલું
પતિનું લાયસન્સ પછી,
વીસ હજાર માં શેઠિયાની
બાઈના ગળામાં સોહે.
દિકરોય બને વેરી
દારૂ પીવેને ગાળુય બોલે,
એની બાઈને પીટતો છેલે
બાપને દીકરો વડને ટેટા
કહેવતું સાચી ઠેરે,
મારી વરહની કમાણી જાય એળે....
3/9/18
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો