ગુરુવાર, 23 જુલાઈ, 2020

હસતા રહ્યા

 

હસતા રહ્યા 

ચાલીસ બેતાલીસ 
ને પછી તેતાલીસ
ડિગ્રીઓ રોજબરોજ વધતી ગઈ.
ચાર દીવાલ પર રહેલાં નળિયાં
ઊકળતાં ઊકળતાં ને બસ ઊકળતાં જ રહ્યાં.
નળિયાં નીચે આખો દિવસ
ચરખો કાંતતાં કાંતતાં 
રૂની ગૂંગળામણમાં
એના શરીર પર પાણી નીતરતાં રહ્યાં.
આંગળીથી 
કપાળે નીતરતી પરસેવાની નદીને 
ઢસરડતાં ઢસરડતાં જમીન પર ફેંકતા ગયા.
રાતે ખુલ્લા આકાશે
વાદળાં દોડતાં જોઈ
'વરસી જા વરસી જા બાપલિયા' કહેતા ગયા.
એ રાતે એવો તે વરસ્યો 
કે તૂટેલા નળિયાંમાંથી નદી-નાળાં વહેવાં લાગ્યાં
નળિયાં વચ્ચે વહેતી નદીઓને ડોલમાં ભરી
આખી રાત ઊલેચતા રહ્યા ઊલેચતા રહ્યા.

હળ જોડી નીકળેલા ખેડૂતે
'ચ્યમ રહ્યું, બાપા, રાતે વરસાદે ?' પૂછ્યું,
'એ ઘણી ખમ્મા મેહુલિયાને' કહી 
ઉજાગરો ભૂલી 
પલળેલા ગોદડાને નિચોવતાં નિચોવતાં
ખેડૂતના ચહેરાને તાકતાં તાકતાં
હસતા રહ્યા બસ હસતા રહ્યા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સટાક

એક'દિ તુલસીદાસ ને વાંચવા બેઠી એ સ્ત્રીને ચોંકી ઉઠી,  ઢોલ ગવાર શૂદ્ર અપી નારી, સબ તાડન કે અધિકારી. ને પછી તો,  સંસ્કૃત માં પીએચડી કર્યું,...