શનિવાર, 25 જુલાઈ, 2020

સટાક

એક'દિ તુલસીદાસ ને વાંચવા બેઠી એ સ્ત્રીને ચોંકી ઉઠી, 
ઢોલ ગવાર શૂદ્ર અપી નારી, સબ તાડન કે અધિકારી.

ને પછી તો,  સંસ્કૃત માં પીએચડી કર્યું, ને બેન રેશનાલિસ્ટ બની ગઇ, તમાચો પડ્યો તુલસીદાસ ના ગાલે.. સટાક...

સ્કૂલમાં સાહેબે વાર્તા કહી દ્રૌપદીની ભરી સભાની
ને એ કંપી ઉઠી, બની વકીલને સબક શીખવ્યા
જુગારી પતિઓને..
તમાચો જડ્યો અર્જુન યુધિષ્ઠિર ના ગાલે... સટાક...

ઘરના તે આંગણા ન ઓળંગાય, સ્ત્રી પણ શૂદ્ર કહેવાય,
ને વાર્તા જ્યારે સાંભળી એકલવ્ય ના અંગૂઠાની.
એ તો દોડી દોડી એવી તે દોડી કે મેડલ લાવી તાણી.

એક બે ત્રણ નહિ, છ છ મેડલ લાવીને તમાચા ઝીંક્યા
દ્રોણાચાર્ય પર 
સટાક 
સટાક 
સટાક 
સટાક 
સટાક 
ને સટાક..

આ બાઈ તો જબરી

લે બોલો આ બાઈ તો જબરી છે,
રોજ ઉઠન ધરમ ને સંસ્કૃતિ ની ટીકા કરતી ફર.

આ અમથું નથ કીધું ધરમમાં અસ્ત્રી તો પગની પાનીએ જ શોભે,
ત્યાર જોવ આ બાઇન ફોન મળ્યો તાં તો ધરમની ખોદણી કરવા મંડાણી.

અમારા જમુનામાં તો કોઈ વરણ ની બાયું અમારી સામુ બોલતી તો નત, ખાહડાય હાથમાં લઈને નેકળતી.

આમન થોડી સૂટ જા મળીન, તાં તો મોટી મેમસાબ બનીન
ફરવા મંડીયું સ,
કોલેજ કરીન કાંક દાક્તર બની સ, ન ગાડીયું લઈન નિકળશ.

તાણ આન કુણ હમજાવ ક ઈના બાપદાદા અમાર સેતરે
દાંડિયું કરતા,
અન અમારા આલેલા સૂકા રોટલા ખાતા તા.

આતો અંગ્રેજ સરકાર જઇન, આમના બાપદાદા ન જમીન દેતિયું જઇ,
અમન તો આઝાદી આલી પણ, આમનય આઝાદી આલતી જઇ.

ન બાકી રયુ તું તે, આ નવા કાયદા બનાયા ન,
ઇમના છોરા ભેળ્યું સોડિયુંય ભણી, ન ધનોત પનોત કાઢ્યું સ.

બે સોપડીયું ભણી ન તાતો, આ બાઈ અમારા ધરમ ન સંસ્કૃતિ ની ફજેતી કરવા મંડીસ બોલો લ્યો.

પણ, હામળ્યું સ બાઈ બહુ હુશિયાર સ હો,
ધરમ ના સોપડા વાશી વાશી ન બધું હાસુ હાસુ જ લખસ.

પણ, ઇ જે હોય ઇ, ગાંડો ઘેલો પણ પોતાના છોરા ન કોઇ ગાંડો કેય ખરો??
ઇમ, જેવો હોય ઇવો પણ આપણા ધરમ ન કાંઈ અબખોડાય ખરા હેં???

અકળાવતો સવાલ

મારા બાપા હતા મિલ મજૂર
વણતાં કાપડ કો-ઓપરેટિવ મિલમાં,
દાદા હતા વણકર, વણતાં કાપડ
ઘરના ફડદામાં રાખતા ખટારો.
કાકા, મામા, માસા બધાં જ તો વણતાં,
રૂમાલ પછેડી ગરણું બધુંય રંગબેરંગી.

ઉત્તર ગુજરાતમાં મારા ભાઈઓ,
પટોળા બનાવી હજારોમાં વેંચતા.
તોય... આજે હું જ્યારે જ્યારે
ખાદી પહેરુ ત્યારે ત્યારે.......
મને અવાજ સંભળાય તમે તો
ગાંધીવાદી છો હેં!!!

સાલું.... મારા વડવાઓ....
કાપડ વણતાં ને પેટર્ન ગાંધીબાપા ને નામ??
2જી ઓક્ટોબર ની પૂર્વસંધ્યાએ
અકળાવતો સવાલ.

30/9/18

હાલોને , લિંચિંગ લિંચિંગ રમીએ

હાલો ને લિંચિંગ લિંચિંગ રમીએ,
તમે મોબ લિંચિંગ કરજો,
અમે ડોળા ફાડી તાકી રહીશું..

લઘરવઘર બાઈને બચ્ચાચોર કહીશું,
એ ચોરંટીને પકડી તમે ખૂબ માર  મારજો,
કપડાં ફાડી એના, ઉભી બજારે દોડાવજો..
અમે મારો મારો કહીશું, 
હાલો ને મોબ લિંચિંગ કરીએ.

ભીખારીને આપણે ચોટી કાપનાર કહીશું,
ભરબજારે એને, થાંભલે બાંધી દેશું,
વારાફરતી પછી, છૂટા પથ્થર મારશું,
ફાવે એવી મોટી મોટી મણ-મણની દેશું,
અલ્યા હાલોને મોબ લિંચિંગ કરીએ.

દાઢીવાળા ટોપીવાળા જુવાન-ડોહાને પકડશું,
ખરીદેલી એની ગાય-રૂપિયા ઝુંટવી લઈશું,
એને ઓલી ગાડી પાછળ બાંધી ઢસરડશું,
લાકડીયું ને પાઇપથી ફટકારતા જાશું,
એના મોમાં લાકડું નાંખી જય બોલાવશું,
તો આવો ત્યારે, મોબ લિંચિંગ કરીએ.

તો ચાલો હવે, લિંચિંગ લિંચિંગ રમીએ,
અલ્યા, આવો ત્યારે, લિંચિંગ લિંચિંગ રમીએ...

4/10/2018
વેલી પરોઢે
4 વાગે ઉઠતાંવેંત
લાકડે ચૂલો સળગાવતા,
નાના છોરા સૂતાં મેલી
છો વાગે હાજરી 
પુરાવી
હાથમાં સાવરણો ને ડબો 
લેતાં,
આખા દી'નો કચરો 
વાળતા-વાળતા 12 વાગતાં.

રેઢા મેલેલા છોરા,
ઉઠતાં, 
મોં ધોયું-ન-ધોયું,
કિટલીનો ટાઢો ચા,
ને રાતના રોટલા આરોગતાં.

શેનું વ્હાલ? કેવી ચોખ્ખાઈ?
કેવી નિહાલ??? કશુંય નહિ...
બસ માડી ક્યારે આવશે
એ જ નિહાળતાં.

300 રુપરડી
મજૂરીએ, 24 કલાક બાંધતા
રાતે બાર વાગેય
આવી, ડેલી ખખડાવતાં.

ગંધાતી ગટર,
માંહે ઊતારતાં...
એક રૂપિયો તોય
ઓવરટાઈમ નો
ન આપતા.

ઉપરથી ઘણી પર
એ રોફ ઝાડતાં
કામે નહિ રાખી
કહી
અમને ફફડાવતા.

મૂકી દેવું સે કામ
જાવ નહિ પકડવું ઝાડું,
એમ કહી જ્યારે, વટ દેખાડતાં.
ભુખ્યાપેટ, ખાલી વાસણ,
ખખડાવતાં.

કોઈ કારખાને જઈ,
કામ જ્યારે માંગતા,
જાત પૂછી,
મોં બગાડી ફરી
ઝાડું પકડાવતાં...


થાનગઢ ના સફાઈ કર્મચારી ના મોંઢે સાંભળેલી એમના જીવનની વાસ્તવિકતા માત્ર છે.

લાસ્ટ યર પોસ્ટ...

આંકડાની માયાજાળ

આંકડાની માયાજાળમાં
એવા તે ફસાયા અમે,
કે મનમસ્તિષ્ક માં ઘૂમે
બસ આંકડાઓ.

આરોગ્ય કર્મચારી કહે,
સોઇ ક્યારે મારી?
દવા ક્યાંથી દઈએ??
હજુ તો સર્વે કરી ઓનલાઈન આંકડા છે નાખવાના.

નિશાળના માસ્તરો બોલે, 
બેટા જાતે વાંચો.
ઓનલાઈન હાજરીને, એકમ કસોટીના આંકડા ઓનલાઈન છે નાખવાના.

વેટરનરી ડોકટર કહે, 
અમારે હજુતો
ઘરે ઘરે ઢોર છે ગણવાના,
એમાંય પાછા મેઈલ ફિમેલ પણ અલગ છે કરવાના,
હે પશુપાલક ખબર છે, તારો બળદ બહુ બીમાર છે,
પણ શું કરું મારે ઓનલાઈન આંકડા નાખવાની આજ છેલ્લી ડેઈટ છે.

ક્યાં કેટલો પાક થયો?
કોણે કેટલો વીમો ભર્યો,?
જમીન વળી કોની કેવી??
એ જાતભાતની મહિતીઓ ભરી,
અમારે આચારસંહિતા પહેલા,
સર્વે કરી ઓનલાઈન ડેટા છે દેવાના.
તો, હે ખેડૂત ભાઈ તમારી વાત સાંભળવા,
તમારા ખેતરે આવવા,
તારી ખેતીમાં આવી જીવાત જોવાને,
અમારી પાસે ક્યાં વધ્યો છે ટાઈમ???
જુવો ને અમ, સમદુખિયા કેવા ફસાયા છે?
ઈન્ટરનેટની દુનિયામાં આંકડાની માયાજાળમાં.


3/4/2019

ચોખલીયા ને અછૂત

મેલું શરીર ચોખ્ખું કરવાને,
સુગંધીદાર મોંઘો સાબુ લીધો,
હુંફાળા પાણીએ સ્નાન કીધું.

સ્વાદિષ્ટ ભોજન આરોગવાને,
મોંઘા પનીર-શાક લીધાં,
ગરમ-ગરમ ભોજન મુખે લીધાં.

પેટ(ચોખ્ખું) ખાલી કરવાને,
વેસ્ટર્ન ટોઇલેટ લીધાં,
ફ્લશથીએ સાફ કીધું.

ચોખ્ખાં થયા પછીનું
ગંદુ પાણી,
સ્વાદિષ્ટ ભોજન પછીનો
એંઠવાડ,
શૌચ ક્રિયા પછીની
ગંદકી,
સંધુય મોટા ભૂંગળામાં
પ્રસરાવી દીધું.

સફાઈકર્મી આવ્યા,
શર્ટ ઉતાર્યા,
ઢાંકણા ખોલ્યા,
એકે બીજાને માહ્યે ઉતાર્યા.
ડોલચે ડોલચે ઉલેચ્યા
ગંદા ગુને મુતર,
નીકળ્યા પછી બહાર,
ધોયા હાથ ને પગ.

ચોખલીયા ગંદકી કરનાર,
અછૂત ગંદકી સાફ કરનાર
કહેવાયા.
ચોખલીયાએ અછૂતને,
ઘર આંગણની બારે બેસાડ્યા,
વધેલું એઠું ખાવાને દીધું,
ન એમને સન્માન દીધું.

સટાક

એક'દિ તુલસીદાસ ને વાંચવા બેઠી એ સ્ત્રીને ચોંકી ઉઠી,  ઢોલ ગવાર શૂદ્ર અપી નારી, સબ તાડન કે અધિકારી. ને પછી તો,  સંસ્કૃત માં પીએચડી કર્યું,...