શનિવાર, 25 જુલાઈ, 2020

સટાક

એક'દિ તુલસીદાસ ને વાંચવા બેઠી એ સ્ત્રીને ચોંકી ઉઠી, 
ઢોલ ગવાર શૂદ્ર અપી નારી, સબ તાડન કે અધિકારી.

ને પછી તો,  સંસ્કૃત માં પીએચડી કર્યું, ને બેન રેશનાલિસ્ટ બની ગઇ, તમાચો પડ્યો તુલસીદાસ ના ગાલે.. સટાક...

સ્કૂલમાં સાહેબે વાર્તા કહી દ્રૌપદીની ભરી સભાની
ને એ કંપી ઉઠી, બની વકીલને સબક શીખવ્યા
જુગારી પતિઓને..
તમાચો જડ્યો અર્જુન યુધિષ્ઠિર ના ગાલે... સટાક...

ઘરના તે આંગણા ન ઓળંગાય, સ્ત્રી પણ શૂદ્ર કહેવાય,
ને વાર્તા જ્યારે સાંભળી એકલવ્ય ના અંગૂઠાની.
એ તો દોડી દોડી એવી તે દોડી કે મેડલ લાવી તાણી.

એક બે ત્રણ નહિ, છ છ મેડલ લાવીને તમાચા ઝીંક્યા
દ્રોણાચાર્ય પર 
સટાક 
સટાક 
સટાક 
સટાક 
સટાક 
ને સટાક..

આ બાઈ તો જબરી

લે બોલો આ બાઈ તો જબરી છે,
રોજ ઉઠન ધરમ ને સંસ્કૃતિ ની ટીકા કરતી ફર.

આ અમથું નથ કીધું ધરમમાં અસ્ત્રી તો પગની પાનીએ જ શોભે,
ત્યાર જોવ આ બાઇન ફોન મળ્યો તાં તો ધરમની ખોદણી કરવા મંડાણી.

અમારા જમુનામાં તો કોઈ વરણ ની બાયું અમારી સામુ બોલતી તો નત, ખાહડાય હાથમાં લઈને નેકળતી.

આમન થોડી સૂટ જા મળીન, તાં તો મોટી મેમસાબ બનીન
ફરવા મંડીયું સ,
કોલેજ કરીન કાંક દાક્તર બની સ, ન ગાડીયું લઈન નિકળશ.

તાણ આન કુણ હમજાવ ક ઈના બાપદાદા અમાર સેતરે
દાંડિયું કરતા,
અન અમારા આલેલા સૂકા રોટલા ખાતા તા.

આતો અંગ્રેજ સરકાર જઇન, આમના બાપદાદા ન જમીન દેતિયું જઇ,
અમન તો આઝાદી આલી પણ, આમનય આઝાદી આલતી જઇ.

ન બાકી રયુ તું તે, આ નવા કાયદા બનાયા ન,
ઇમના છોરા ભેળ્યું સોડિયુંય ભણી, ન ધનોત પનોત કાઢ્યું સ.

બે સોપડીયું ભણી ન તાતો, આ બાઈ અમારા ધરમ ન સંસ્કૃતિ ની ફજેતી કરવા મંડીસ બોલો લ્યો.

પણ, હામળ્યું સ બાઈ બહુ હુશિયાર સ હો,
ધરમ ના સોપડા વાશી વાશી ન બધું હાસુ હાસુ જ લખસ.

પણ, ઇ જે હોય ઇ, ગાંડો ઘેલો પણ પોતાના છોરા ન કોઇ ગાંડો કેય ખરો??
ઇમ, જેવો હોય ઇવો પણ આપણા ધરમ ન કાંઈ અબખોડાય ખરા હેં???

અકળાવતો સવાલ

મારા બાપા હતા મિલ મજૂર
વણતાં કાપડ કો-ઓપરેટિવ મિલમાં,
દાદા હતા વણકર, વણતાં કાપડ
ઘરના ફડદામાં રાખતા ખટારો.
કાકા, મામા, માસા બધાં જ તો વણતાં,
રૂમાલ પછેડી ગરણું બધુંય રંગબેરંગી.

ઉત્તર ગુજરાતમાં મારા ભાઈઓ,
પટોળા બનાવી હજારોમાં વેંચતા.
તોય... આજે હું જ્યારે જ્યારે
ખાદી પહેરુ ત્યારે ત્યારે.......
મને અવાજ સંભળાય તમે તો
ગાંધીવાદી છો હેં!!!

સાલું.... મારા વડવાઓ....
કાપડ વણતાં ને પેટર્ન ગાંધીબાપા ને નામ??
2જી ઓક્ટોબર ની પૂર્વસંધ્યાએ
અકળાવતો સવાલ.

30/9/18

હાલોને , લિંચિંગ લિંચિંગ રમીએ

હાલો ને લિંચિંગ લિંચિંગ રમીએ,
તમે મોબ લિંચિંગ કરજો,
અમે ડોળા ફાડી તાકી રહીશું..

લઘરવઘર બાઈને બચ્ચાચોર કહીશું,
એ ચોરંટીને પકડી તમે ખૂબ માર  મારજો,
કપડાં ફાડી એના, ઉભી બજારે દોડાવજો..
અમે મારો મારો કહીશું, 
હાલો ને મોબ લિંચિંગ કરીએ.

ભીખારીને આપણે ચોટી કાપનાર કહીશું,
ભરબજારે એને, થાંભલે બાંધી દેશું,
વારાફરતી પછી, છૂટા પથ્થર મારશું,
ફાવે એવી મોટી મોટી મણ-મણની દેશું,
અલ્યા હાલોને મોબ લિંચિંગ કરીએ.

દાઢીવાળા ટોપીવાળા જુવાન-ડોહાને પકડશું,
ખરીદેલી એની ગાય-રૂપિયા ઝુંટવી લઈશું,
એને ઓલી ગાડી પાછળ બાંધી ઢસરડશું,
લાકડીયું ને પાઇપથી ફટકારતા જાશું,
એના મોમાં લાકડું નાંખી જય બોલાવશું,
તો આવો ત્યારે, મોબ લિંચિંગ કરીએ.

તો ચાલો હવે, લિંચિંગ લિંચિંગ રમીએ,
અલ્યા, આવો ત્યારે, લિંચિંગ લિંચિંગ રમીએ...

4/10/2018
વેલી પરોઢે
4 વાગે ઉઠતાંવેંત
લાકડે ચૂલો સળગાવતા,
નાના છોરા સૂતાં મેલી
છો વાગે હાજરી 
પુરાવી
હાથમાં સાવરણો ને ડબો 
લેતાં,
આખા દી'નો કચરો 
વાળતા-વાળતા 12 વાગતાં.

રેઢા મેલેલા છોરા,
ઉઠતાં, 
મોં ધોયું-ન-ધોયું,
કિટલીનો ટાઢો ચા,
ને રાતના રોટલા આરોગતાં.

શેનું વ્હાલ? કેવી ચોખ્ખાઈ?
કેવી નિહાલ??? કશુંય નહિ...
બસ માડી ક્યારે આવશે
એ જ નિહાળતાં.

300 રુપરડી
મજૂરીએ, 24 કલાક બાંધતા
રાતે બાર વાગેય
આવી, ડેલી ખખડાવતાં.

ગંધાતી ગટર,
માંહે ઊતારતાં...
એક રૂપિયો તોય
ઓવરટાઈમ નો
ન આપતા.

ઉપરથી ઘણી પર
એ રોફ ઝાડતાં
કામે નહિ રાખી
કહી
અમને ફફડાવતા.

મૂકી દેવું સે કામ
જાવ નહિ પકડવું ઝાડું,
એમ કહી જ્યારે, વટ દેખાડતાં.
ભુખ્યાપેટ, ખાલી વાસણ,
ખખડાવતાં.

કોઈ કારખાને જઈ,
કામ જ્યારે માંગતા,
જાત પૂછી,
મોં બગાડી ફરી
ઝાડું પકડાવતાં...


થાનગઢ ના સફાઈ કર્મચારી ના મોંઢે સાંભળેલી એમના જીવનની વાસ્તવિકતા માત્ર છે.

લાસ્ટ યર પોસ્ટ...

આંકડાની માયાજાળ

આંકડાની માયાજાળમાં
એવા તે ફસાયા અમે,
કે મનમસ્તિષ્ક માં ઘૂમે
બસ આંકડાઓ.

આરોગ્ય કર્મચારી કહે,
સોઇ ક્યારે મારી?
દવા ક્યાંથી દઈએ??
હજુ તો સર્વે કરી ઓનલાઈન આંકડા છે નાખવાના.

નિશાળના માસ્તરો બોલે, 
બેટા જાતે વાંચો.
ઓનલાઈન હાજરીને, એકમ કસોટીના આંકડા ઓનલાઈન છે નાખવાના.

વેટરનરી ડોકટર કહે, 
અમારે હજુતો
ઘરે ઘરે ઢોર છે ગણવાના,
એમાંય પાછા મેઈલ ફિમેલ પણ અલગ છે કરવાના,
હે પશુપાલક ખબર છે, તારો બળદ બહુ બીમાર છે,
પણ શું કરું મારે ઓનલાઈન આંકડા નાખવાની આજ છેલ્લી ડેઈટ છે.

ક્યાં કેટલો પાક થયો?
કોણે કેટલો વીમો ભર્યો,?
જમીન વળી કોની કેવી??
એ જાતભાતની મહિતીઓ ભરી,
અમારે આચારસંહિતા પહેલા,
સર્વે કરી ઓનલાઈન ડેટા છે દેવાના.
તો, હે ખેડૂત ભાઈ તમારી વાત સાંભળવા,
તમારા ખેતરે આવવા,
તારી ખેતીમાં આવી જીવાત જોવાને,
અમારી પાસે ક્યાં વધ્યો છે ટાઈમ???
જુવો ને અમ, સમદુખિયા કેવા ફસાયા છે?
ઈન્ટરનેટની દુનિયામાં આંકડાની માયાજાળમાં.


3/4/2019

ચોખલીયા ને અછૂત

મેલું શરીર ચોખ્ખું કરવાને,
સુગંધીદાર મોંઘો સાબુ લીધો,
હુંફાળા પાણીએ સ્નાન કીધું.

સ્વાદિષ્ટ ભોજન આરોગવાને,
મોંઘા પનીર-શાક લીધાં,
ગરમ-ગરમ ભોજન મુખે લીધાં.

પેટ(ચોખ્ખું) ખાલી કરવાને,
વેસ્ટર્ન ટોઇલેટ લીધાં,
ફ્લશથીએ સાફ કીધું.

ચોખ્ખાં થયા પછીનું
ગંદુ પાણી,
સ્વાદિષ્ટ ભોજન પછીનો
એંઠવાડ,
શૌચ ક્રિયા પછીની
ગંદકી,
સંધુય મોટા ભૂંગળામાં
પ્રસરાવી દીધું.

સફાઈકર્મી આવ્યા,
શર્ટ ઉતાર્યા,
ઢાંકણા ખોલ્યા,
એકે બીજાને માહ્યે ઉતાર્યા.
ડોલચે ડોલચે ઉલેચ્યા
ગંદા ગુને મુતર,
નીકળ્યા પછી બહાર,
ધોયા હાથ ને પગ.

ચોખલીયા ગંદકી કરનાર,
અછૂત ગંદકી સાફ કરનાર
કહેવાયા.
ચોખલીયાએ અછૂતને,
ઘર આંગણની બારે બેસાડ્યા,
વધેલું એઠું ખાવાને દીધું,
ન એમને સન્માન દીધું.

ગજબ કરો છો

અજબ કરો છો ગજબ કરો છો,
જાતિવાદીઓ તમે ગજબ કરો છો.

નીંદવા, વાવવા, કાપવા, વાઢવા,
ખેતી કામમાં મજૂરો જોઈએ.  

અજબ કરો છો ગજબ કરો છો,
જાતિવાદીઓ તમે ગજબ કરો છો.

ઢોરા ચરાવવા, વાસીદા કરવા
ઘોડા સાચવવા રખેવાળ જોઈએ.

અજબ કરો છો ગજબ કરો છો,
જાતિવાદીઓ તમે ગજબ કરો છો.

ઘર, બંગલા, મંદિરો બનાવવા,
ઊંચી ઊંચી ઇમારતો બનાવવા,
રોડ, નાળા, પુલ બનાવવા.
બધાય કામમાં દાડિયા જોઈએ.

અજબ કરો છો ગજબ કરો છો,
જાતિવાદીઓ તમે ગજબ કરો છો.

હોટલ, સિનેમા, ઓફિસોમાં.
સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં,
ઘર, શેરી, ધર્મશાળામાં,
સફાઈ કરવા પટાવાળા જોઈએ.

અજબ કરો છો ગજબ કરો છો,
જાતિવાદીઓ તમે ગજબ કરો છો.

કારખાના, કમ્પની, બજારોમાં.
દુકાન, મોલ, મહેલોમાં,
મજૂર તરીકે બસ મજૂરો જોઈએ.

અજબ કરો છો ગજબ કરો છો,
જાતિવાદીઓ તમે ગજબ કરો છો.

એજ,
મંદિર, બંગલા, ઘર, શેરી ને
ધર્મશાળામાં,
એજ,
મજૂર ને પ્રવેશવા 
તમે જાતિ પૂછો છો???

અજબ કરો છો, ગજબ કરો છો,
જાતિવાદીઓ તમે ગજબ કરો છો.
ઓ, મનુવાદીઓ તમે ગજબ કરો છો.


જાતિવાદી મનુવાદી માનસિકતા ધરાવતા સર્વ જનોને સમર્પિત.
શિયાળાની ટાઢમાં
એ ઉઠતી,
ચૂલો પેટાવતી, રોટી શેકતી,
બરાબર પાંચ વાગ્યેએ
બીજાઓ સંગે સીમની
વાટ પકડતી.
હાથમાં દોરડાંને કુહાડી,
ત્રણ-ચાર ગાઉએ
ચાલી નાખતી.
રસ્તે આવતી વાવે ઉતરી
ઠંડો કોઠો કરતી.
બે કલાકની મહેનતેએ
બાવળ કાપીને
ભારો બાંધતી.
બે મણનો ભારો માથે
ઉપાડતીને ચાલતી પકડતી.
પાછા જ્યારે એ વળતી,
સૂરજનાં કિરણે ચળકતી.
જ્યારે, 
પાનીથી ઢીંચણ સુધીની
સાડીનો છેડો વાળીને
કમરે ખોસતી.
ત્યારે, 
ઢીંચણથી નીચે 
લાલ-લાલ આડા-ઉભા 
લીટાઓ ઝળકાવતી,
કાંટાની ડિઝાઈન દેખાડતી.
માથે ઉપાડેલ ભારામાંથી કાંટો
જો વાળમાં વાગતો
તો,
ફૂટેલા માથામાંથી નિકળેલી
લોહીની નદીની શેર
કપાળે થઈ નાકે
સૂકાતી.
એ ભારા સંગાથે
વાતો કરતી 
જ્યારે, ઘરે આવતી,
ઓટલે બેસી લેશન કરતી
દીકરી દોડીને,
પાણીનો લોટો ધરતી.
થાકલો ખાવા ઓટે એ બેસતી,
સાડીના પાલવે બાંધેલાં 
મુઠ્ઠી બોર બાળકોને આપતી.
હથેળીમાં રહેલી કાંટાળી ફાંસ
પછી, એની દીકરી 
સોયથી નીકાળતી.
દસેક મિનિટની રીસેસ પછી,
બાઈ ફરી ઘરના કામે ચડતી.
બસ, આમ જ ગરીબ,
મજદૂર બાઈ જિંદગી જીવતી.



હૂબહૂ વર્ણન છે,  જ્યારે હું નાની હતી ત્યારે, મારા માં(મમ્મી) લાકડાનાં ભારા લાવતા.
માનવતાની હોળી

હોળી આવી
હોળી આવી
નિત નવા રંગોને લાવી,
લાલ લીલો નિલો
સૌથી ઉપર ભગવો
ભગવાની તો,
હોળી આવી
હોળી આવી.
ભગવા ના 
નામે જુવોને, ખેલ એવો 
ખેલાતો આજે,
ગાય, ગોબર, મંદિરની
કાજે
જીવતો જન ભૂંજાતો.

હોળી આવી
હોળી આવી.
નિત નવા રંગોને લાવી.
લીલો એવો રંગ
રોજ ચડે ને ઉતરે,
નાના નાના ભૂલકાં જોને 
ફુગ્ગા જેમ ફાટે.
આતંકીઓના હાથે
રોજ માનવો મરતા.

હોળી આવી
હોળી આવી
નિત નવા રંગોને લાવી.

પ્રેમનો રંગ છે
મેઘધનુષી,
ના કોઈને સમજાતો,
લેલા-લાલો
કૃષ્ણ-ફાતેમાં
લવજેહાદના
નામે મરતાં.

હોળી આવી
હોળી આવી
લાલ લાલ રંગોથી 
અહીં, 
રોજ ખેલાતી હોળી.

ઓનર કિલિંગ
લવજેહાદ
મંદિર-મસ્જિદ
જીવતી, મુરદા ગાય
અછૂતપણાં નામે,
અહીં, તો રોજ ખેલાતી
હોળી.
રોહિત-ડેલ્ટા
નામી અનામી
રોજ કેટલા મરતા!
ભાનુભાઈના જેવા 
આજે 
ન્યાય કાજે જલતા.

હોળી આવી
હોળી આવી
લોહીની પિચકારીથી
રમતા માનવોની
હોળી આવી.


1 માર્ચ2018
ચૂંટણીના વંટોળીયામાં
એ એવો તે ફસાયો
પહેલાં ગોળ ગોળ ગોળ ઘૂમ્યો
પછી છેક ઊંચે ઉડયો
ફરી નીચે ગરબડતો આવ્યો
ફરી વમળમાં ઘૂમ્યો ઘૂમ્યો ઘૂમતો રહ્યો
ચૂંટણી જામી એ બહુ ઘૂમ્યો
પછી બધુંય ઓસર્યું
એ નીચે સીધો જ પટકાયો
દબાયો કચડાયો આમતેમ ભટકાયો
કોઈએ ન હાથ ઝાલ્યો
ન પગ ઝાલ્યો
કોઈએ ન સાથ આલ્યો 
ન ભાત આલ્યો
એક માલ્યો વંટોળમાં ઉડી ગયો
બાકી સહુ બીજા વંટોળની વાટમાં

શુક્રવાર, 24 જુલાઈ, 2020

સટાક

એક'દિ તુલસીદાસને વાંચવા બેઠી 
એ સ્ત્રી ચોંકી ઉઠી, 
ઢોલ ગવાર શૂદ્ર અપી નારી, 
સબ તાડન કે અધિકારી.

ને પછી તો,  
સંસ્કૃત માં પીએચડી કર્યું, 
ને બેન રેશનાલિસ્ટ બની ગઇ, 
તમાચો પડ્યો તુલસીદાસ ના ગાલે.. 
સટાક...

સ્કૂલમાં સાહેબે વાર્તા કહી 
દ્રૌપદીની ભરી સભાની
ને એ કંપી ઉઠી, 
બની વકીલ
ને સબક શીખવ્યા
જુગારી પતિઓને..
તમાચો જડ્યો અર્જુન યુધિષ્ઠિર ના ગાલે...
સટાક...

ઘરના તે આંગણા ન ઓળંગાય, 
સ્ત્રી પણ શૂદ્ર કહેવાય,
ને વાર્તા જ્યારે સાંભળી 
એકલવ્ય ના અંગૂઠાની.
એ તો દોડી દોડી એવી તે દોડી 
કે મેડલ લાવી તાણી.

એક બે ત્રણ નહિ, 
છ છ મેડલ લાવી 
ને તમાચા ઝીંક્યા
દ્રોણાચાર્ય પર

સટાક 
સટાક 
સટાક 
સટાક 
સટાક ને 
સટાક..

ગુરુવાર, 23 જુલાઈ, 2020

EVM

EVM
તારી કહાની
લાગે બહુ સુહાની
તું જાદુનું ડબલું
તું હુકમનું પાનું.
જે તારી 
દહેલીજે આવે
તું એને રે જીતાડે.
તારી લીલા અપરંપાર
તારી માયા નહિ મેલાતી
લોકશાહી માટે તું તો
બની ગઈ  કાલી ટીલ્લી.

EVM
તારી કહાની
એમ તો બહુ પુરાણી.

પેલા
ગામેગામ દબંગીયા
ચૂંટણી દાડે નીકળતાં.
વાસે વાસે જઈને
ચવાણું-પેંડા વહેંચતાં.
એક દારૂની થેલીએ
ઇમના અંગુઠા લેતાં.
પછી
ગરીબ, મજદૂર ને
બદલે
લઈ સિક્કાએ હાથે
બેલેટે લગાવતાં.

કતલની એ રાતે
કઈ કેટલાય
અરમાનો વેચાતા.
આ દબંગોની કહાની
 બેલેટ, એવીએમે
કદીયે ન બદલાણી.
 

મૂછ

રોજ રોજ
અરીસામાં 
મોઢું જુવે ને
મલકાય.

નિશાળે જાય
ત્યારે, 
એના મિત્રો એને
કહે, મૂછનો
દોરો ફૂટ્યો.
એ શરમાતો
અને મૂછમાં
ધીમું ધીમું
મલકાતો.

કોલેજ ગયો,
ફેશન ફેશનના
ચક્કરમાં
એને આકડીયાળી
મૂંછ ઉગાડી.

રૂપાળો વાન
કાળી ભમ્મર 
અણિયાળી મુંછ
સૌથી સુંદર છોડી
એને મોહી પડી.

એ મુંછ ને એ છોડી
કેટલાય જન્મજાત
મુછાળાને ખટકી
મૂંછ પર તો વાલા
અમારી અનામત
ઉગે તો અમારા 
નાક નીચે જ.

એમની એવી તે લાગણી
દુભાણી
કોઈના ખેતરમાં 
જઈ જેમ ભેલાણ
કરાવતા, એમ
એના નાક
નીચે અસ્ત્રો ફેરવ્યો.

21મી સદીમાં
 હજુય લોકોની
લાગણીઓ
આમ જ દુભાય.
મૂંછકાંડ કરતા
કરતા સમાજની
મુર્ખતા દુનિયામાં
પ્રદર્શિત થાય.

12/6/18

દોષનો ટોપલો

આગ લાગી, કેટલાય ફુલડાઓ
ગભરાયા, ગૂંગળાયા,
તપ્યા, સળગ્યા,
કૂદયા, પડ્યા,
ઝીલાયા ન ઝીલાયા એમાંથી થોડા કરમાયા.

રોકકળ, ગુસ્સો, બૂમો,
આક્ષેપ પ્રતિ આક્ષેપ લગાવાયા.
દોષનો ટોપલો એકબીજાને માથે મૂકાયો.

ફાયર બ્રિગેડવાળા મોડા પડ્યા,
લાંબી સીડી કે જાળીય નો'તા લાવ્યા
લ્યો, આ દોષનો ટોપલો તમારા માથે મૂક્યો.

અમારી પાસે સુવિધા નો'તી,
અધિકારીઓ નેતાઓને કહો,
એ જ તો છે જવાબદાર,
લ્યો આ દોષનો ટોપલો તમારા માથે મૂકયો.

ગેરકાયદેસર હતા કલાસીસ,
ફાયર સેફટીની સુવિધા નથી, 
કલાસીસ માલિક છે જવાબદાર,
લ્યો આ દોષનો ટોપલો તમારા માથે મૂકયો.

પણ, અમે તો ભાડે રાખેલી હતી છત,
બિલ્ડીંગ ના માલિક ને કહો,
પૂરતું ભાડું ચૂકવતા હતા,
એટલે વાંક તો બિલ્ડીંગ ના માલિક નો જ,
લ્યો આ દોષનો ટોપલો તમારા માથે મૂકયો.

મોં માંગ્યા હપ્તા આપ્યા હતા,
મળ્યું છે સર્ટી મને સબ સલામતનું,
એટલે દોષિત તો મહાનગરપાલિકા જ,
લ્યો આ દોષનો ટોપલો તમારા માથે મૂકયો.

રાજ્ય-કેન્દ્ર સરકાર ગ્રાન્ટ નથી આપતી,
જનતા ટેક્સ નથી ભરતી તો ક્યાંથી
વસાવી સાધનો? જનતા જ છે જવાબદાર,
લ્યો આ દોષનો ટોપલો તમારા માથે મૂકયો
 
એક એક વસ્તુની ખરીદી એ ટેક્સ કાપે છે,
Gst કપાઈ છે, ઇકમટેક્સ ભરીએ છીએ,
ક્યાં વાપર્યા પૈસા? સરકાર છે દોષિત,
લ્યો આ દોષનો ટોપલો તમારા માથે મૂકયો,

 આ વિપક્ષવાળા કામ જ નથી કરવા દેતા,
એ જ છે આ બધા માટે જવાબદાર,
લ્યો આ દોષનો ટોપલો તમારા માથે મૂકયો,

અમે તો વિરોધ કરી કરીને થાકી ગયા,
સત્તાપક્ષ નકામો છે, કામ જ નથી કરતો,
જનતા જ ચૂંટી લાવે છે, ભોગવો હવે,
લ્યો આ દોષનો ટોપલો તમારા માથે મૂકયો.

સરકાર...જુવો.....જનતા....
એક પણ ચમરબંધી ને છોડવામાં નહિ આવે,
Sit ની રચના કરવામાં આવશે,
ન્યાયિક તપાસ કરવામાં આવશે,
મૃતકના પરિવારને ચાર ચાર લાખ
ચુકવવામાં આવશે.

ખાઈ પીને મજા કરો...
દોષ નો ટોપલો માથા બદલતો રહેશે...

26/5/2019

તું અને હું

બે આંખો મળી
ઈશારા થયા.
મન મળ્યું
દિલોની લેવડ દેવડ થઈ.
પ્રેમના સંદેશા વહ્યા,
તું એટલે હું
હું એટલે તું
એમ સંબંધો એકાકાર થયા.

ધીમે ધીમે 
તન મન એક થયા.
અડગ નિર્ણય લેવાયા
કોર્ટના ચક્રો
ગતિમાન થયા.
મિત્રો માંથી પ્રેમી 
પ્રેમીમાંથી દંપતી થયા.
આનંદ ઉલ્લાસમય
જીવન જીવતા થયા.
પ્રેમના અંકુર ફૂટ્યા
પારણે પુત્રો હિંચતા થયા.

સમય બદલાયો
વિચારો બદલાયા
મતભેદ  થયા.
મતભેદથી મનભેદ
વધતા જ ગયા.
દિલ દિમાગ હૃદય
તન મન ધન
દૂર દૂર થતા ગયા.
હાર્યા થાક્યા ને
નિર્ણય લેવાયા

ફરી તું અને હું 
તું અને હું બની ગયા.
બેની વચ્ચે પીસાયા
શોષાયા બિચારા થયા
એમના બચ્ચા
છતે માં બાપ 
નોંધારા થયા.

17 ઓગસ્ટ, 2018

અંધશ્રદ્ધાના વિરોધીઓ

સોક્રેટિસ તત્વજ્ઞાન ની વાતો કરતો,
સત્ય અસત્ય સમજાવતો,
નિજ મસ્તીમાં જીવતો,
ટોળાથી અલગ દિશામાં ચાલતો,
નવયુવાનો એની સાથે, આગળ પાછળ ચાલતા.
ટોળાને ન ગમ્યું ત્યારે, ઝેર જીભને ચખાડયું.

આજે સોક્રેટિસ ની વાતો 
સ્કૂલની દીવાલો પર
સુવિચારો ના પુસ્તકોમાં
મહાનુભવો ના પ્રવચનોમાં
છાપા મેગેઝિન માં,
ફિલ્મના ડાયલોગમાં
વિશ્વના ખૂણેખૂણે ગુંજે છે.

માર્ટિન લ્યુથર અદનો આદમી,
ચર્ચના પાદરી અને પૉપની
જૂઠી વાતોનો વિરોધ કરતો,
પાપ ધોવાના માફીપત્રોનો પર્દાફાશ કરતો,
લોકોને માફીપત્રોના વ્યાપારનું ગણિત સમજાવતો,
ધર્મના ખોટા રિવાજો, માન્યતાઓ ને જાહેર કરતો,
 જીવતાજીવત વિરોધ થયો, મોત એનુય થયું,
પણ, એ અમર થઈ ગયો,
માર્ટિન લ્યુથર નો સંઘર્ષ પુસ્તકોમાં છપાયો,
કવિતા, વાર્તાઓ, નાટકો લખાયા,
એની મૂર્તિઓ બનાવાઈ,
આજે માર્ટિન લ્યુથર વિશ્વમાં જાણીતો
મહાનુભવ બની લોકોના દિલોમાં જીવી રહ્યો છે.

... એટલે આજે બધાથી અલગ વિચારતા,
સત્યના પક્ષે ચાલનારા, એકલા લડનારા,
ધરપત રાખજો....

તમે ટોળાથી અલગ છો,
માનવતાવાદી છો,
ભક્ત નથી,
બસ
તો તમે સાચા જ રસ્તે છો...

 8/8/2019

દારૂ ને શાહુકાર

આતે કેવો તે'વાર,
ઇ આવેને ચાલુ થઇ જાય વે'વાર.

દારૂની મહેફિલ
જુગારના અડ્ડાને
મટનની થાય મીજબાની.

ઇમના ખેતરે પાણી છેટેથી
દેતા ખેતરવાળા,
આજ ઇમની પડખે બેસીને
જુગાર ખેલે,
ચોળેલા માવા ખાઈને
એક જ ગલાસમાં
દારૂય પીવે.

અઢારેય વરણનાં
નાના-મોટા સહુએ
ગામના છેવાડે પેલા
લોકની વાડીની ઝૂંપડીમાં
મેલા-ઘેલા પાથરણે બેસી
ખાઈ પીવેને મોજ કરે.

પેલા શાહુકારના  દિકરા
રાહ જોઈ બેસે
રમે નહિ ને રમાડે.
દસ-વીસ ટકે નાણાં ધીરે
પછી, પઠાણી ઉઘરાણીય કરે.

મારો દારૂડિયો ઘરવાળો ને છોરો
નશામાં ને નશામાં
જુગાર રમે, ઊછીનાં લે,

સાતમનો નશો ઉતરે
ને પછી, એને ધ્રાસકો પડે.
ચ્યમ કરી પૈસો દેશું પાછા,
ચિંતામાં પડે પછી બરડો
મારો વીંઝેને, મારી ઝૂડીને
મંગળસૂત્ર લઈ ફરે.
ચાલીસ હજારમાં લીધેલું
પતિનું લાયસન્સ પછી,
વીસ હજાર માં શેઠિયાની
બાઈના ગળામાં સોહે.
દિકરોય બને વેરી
દારૂ પીવેને ગાળુય બોલે,
એની બાઈને પીટતો છેલે
બાપને દીકરો વડને ટેટા
કહેવતું સાચી ઠેરે, 
મારી વરહની કમાણી જાય એળે....


3/9/18

370

370 ઇ વળી શું?
ન મને ખબર હતી
ન મને સમજ હતી,
  
ગણિત શીખવતી વખતે,
370 ત્રણ અંકની સંખ્યા
શીખવેલી બસ.

પણ, હમણાં હમણાં રાજનીતિમાં
370 નામ એવું તે ચર્ચાયું કે,
370 એટલે દેશભક્તિ,
370 એટલે મત,
370 એટલે રાષ્ટ્રપ્રેમ,
370 એટલે દિલ્હીનો તાજ,
એવું કંઈક જાણવા મળ્યું.
    
રામના નામે પથરા તરેલા એવી
દંતકથા તો જાણતા હતા,
પણ, આ વખતે 370ના
નામે નેતાઓ તરી ગયા.

વિરોધ પક્ષ પાસે એક જ સજ્જડ વિરોધ હતો,
કરી બતાવો દૂર 370 બહુમતી છે તો,
ને અચાનક એમણે નોટબંધીની જેમ
370 નાબૂદીની જાહેરાત કરી બતાવી.

ભક્તો નાચ્યા, વાહવાહી કરી
ને મીડિયાએ ભરપેટ વખાણ કર્યા.
પણ,
ધીમે ધીમે કઈક સમજાવા લાગ્યું,
35 દિવસ બાદ પણ,
ઈન્ટરનેટ બાન,
મોબાઈલ બાન,
વિરોધ પક્ષ જેલમાં,
કોઈ સમાચાર નહિ,
કોઈ ડિબેટ નહિ,
         
એક આખો પ્રદેશ સંપર્ક વિહોણો,
જેમ પૂર વખતે કોઈ ગામ સંપર્કવિહોણું બને.

વાહવાહી, નાચગાન પૂરો થઈ ગયો,
ભક્તો, જનતા બીજા મુદ્દે ભટકી ગયા.

પણ,
હજુય 370 ની બાદબાકી બાદ,
જમ્મુ કાશ્મીર 35 દિવસ
પહેલાનું સ્થગિત થઈ ચૂક્યું છે.

શું થયું હશે?
શું હાલત હશે?
કોણ જીવિત કોણ મૃત હશે?
કોના આંસુ કોણે લૂછયા હશે?
કલ્પના પણ નથી!
       
 દિવસોના દિવસો બાદ દબાયેલી સ્પ્રિંગ
જ્યારે ઉછળશે ત્યારે શું થશે???
ભૂત-વર્તમાન-ભવિષ્ય અને 370,
ભયંકર સ્થિતિ નિર્માણ કરશે!!!!

10/9/2019

દસ વર્ષની દીકરી

વહેલી સવારે વાસણ ખખડવાનો અવાજ સાંભળી એની ઊંઘ નથી ઊડતી,
પણ, માં ના હાથની બંગડી જ્યારે,
રોટલા ટીપતા ખનકે છે એ ઝબકીને જાગી જાય છે.

ફટાક દઈને ગોદડું બાજુમાં મૂકી એ આંખો ચોળતી
ઓસરીમાં ઉભી રહીને માં ને કામ કરતી જુએ છે.

આંગણે ચકલી-કબૂતર દાણા  ચણે છે,
ને એ દાતણ કરતી કરતી ફળિયું વાળે છે.

રસોડામાં જઈને ચા-રોટલી  ખાઈને ઘરનાં 
વાસીદા વાળે છે.
માબાપને ટિફિન ભરી મજૂરીએ જતાં નિહાળતી એ,
બાકીના કામે લાગે છે.

વાસણ, કચરા-પોતા, પાણી ભરીને,
થાકે ત્યાં ભાઈને નવડાવે છે.
જોતજોતામાં દસના ટકોરા પડે છે ને,
એને ફાળ પડે છે.

સાહેબનું લેશન તો હજુ બાકી જ છે,
ને એ દફતર ભરી નિશાળ તરફ ભાગે છે.

એક કિલોમીટર ચાલીને જતાં ભાઈના,
દફ્તરનો પણ ભાર વેંઢારે છે.

નિશાળના આંગણામાં છાંયડે બેસીને,
લેશન પૂરું કરે છે.
ઘરે લેશન પૂરું કરીને આવતા હોય તો,
એ સાંભળી એ નીચું જોવે છે.

શાળા સફાઈ, વૃક્ષને પાણી પાવું, 
બેન અને સાહેબની સેવા કરતી,
એ સાંજે પાંચના ટકોરે ઘર તરફ દોડે છે.

અરવાણા પગે દોડતા કોક દિવસ
કાંટો ને કાંકરોય વાગે છે.

ઘરે પહોંચતા જ ફરી, વાસણ, કચરા ને કપડાંનું 
કામ નજરે ભાળે છે.

મજૂરીએ થી આવેલ માનો ચહેરો જોઈને,
દસ વર્ષની દીકરી સ્ત્રી બનીને કામે લાગે છે.

9/9/2019

કવિતા: તમારી , અમારી

તમારી કવિતાઓમાં
પ્રેમ સૌંદર્ય લાગણી,
નમણી નાર અષાઢી સાંજ
વરસતો વરસાદ ને વિરહ છે.

અમારી કવિતાઓ માં
નફરત ધિક્કાર વેદના,
શોષિત સ્ત્રી વિકરાળ રાત
જીવતી લાશો રૂપી દેહ છે.

તમે એને શણગારવા શબ્દોને
મારી કાપીને છંદ અલંકાર રચાવો,
અમે એને વગર શણગારીયે,
જેમ શબ્દો સ્ફુરે એમ લખી દઈએ.

તમારી કવિતાઓ ગવાશે વંચાશે,
પાઠ્યપુસ્તકો માં ભણાવશે,
એવોર્ડ ને ઇનામો મેળવશે.
અમારી કવિતાઓ ખૂણે ખાંચરે
મિટિંગો વિરોધો આંદોલનોમાં
એકસૂરે પ્રચંડ અવાજે બોલાશે.

એજ
ફરક રહેશે
તમારી અને અમારી
કવિતાઓમાં.....


15/10/18

અંધશ્રદ્ધા

હે વિધર્મીઓ
નાસ્તિકો
દેશદ્રોહીઓ,
તમને કોઈ હક નથી.
કોઈની લાગણી દુભાવવાનો,
અંધશ્રદ્ધા માટે બોલવાનો.

તમારે 
બસ ચૂપ રહી તમાશો જોવાનો,
અમારી રોજી રોટી છીનવી ને,
તમે ક્યાં ભવે સુખી થશો બોલો.

આ અબુધ જનતા જો
જ્યોતિષ નહિ જોવડાવે,
ભૂતપ્રેતથી ડરશે નહિ,
વળગાડ કઢાવવા નહિ આવે,
તો અમારું શું થશે બોલો.
 
કદી વિચાર કર્યો છે ખરો!
આ દેશમાં બેરોજગાર ઓછા છે?
કે તમારે અમનેય બેરોજગાર કરવા છે?

એટલે જુવો,
નાસ્તિકો તમે સાચા જ છો,
રેશનાલિસ્ટ તો અમારેય બનવું જ છે,
પણ ઓલું કહેને, પાપી પેટ કા સવાલ હે,
એવું જ કંઈક છે.

એટલે તમતમારે 
વિરોધ કરો વરહ ના વચલા દાડે,
વાંધો નહિ, પણ થોડું અમારુય વિચારીને હો,
બાકી તો 364 દાડા
મીડિયા, છાપા, ને નેતા
બધા અમારા જ છે.

ખુરશી

ખુરશી
તારી માયા,
નેતા શોધે
છાયા.

બન્યાં છે,
રઘવાયાં.
વેરે બહુ
આજે માયા,
મતદારો
ને કે એ ભાયા.

મૂકી ગાડીની
માયા,
ચાલે
તાતા થૈયા.

ખેડૂ પાસે
જઈને,
બને
ગરીબ ગૈયા.
ગામેગામે,
ચૌરેચૌરે,
નિત આંસુડે
નાહયાં.

અવસર આયો
ભૈયા,
મત દે જે
ઓ મૈયા,
પડું તને 
હું પૈયા..


 29-30/10/2017

નાગરિક

એક કર્મચારી આવીને કહેશે
પુરાવો આપો તમે ભારતના નાગરિક છો.
અને તમે તરત જ તિજોરીનું તાળું ખોલશો,
આધારકાર્ડ, પાન કાર્ડ ને ચૂંટણી કાર્ડ આલશો,

તરત એ કહેશે, તમારા પિતા
ભારતના નાગરિક હતા એનોય પુરાવો આપો.
તમે થોડા મૂંઝાશો, પિતાને ફોન કરશો,
 એ વોટ્સએપમાં કાગળિયા મોકલશે,

એ થોડો સમય ચકાસણી કરશે,
તમને ફરી કહેશે, દાદાનું શું???

તમે પિતાને ફરી ફોન જોડશો,
પિતા કહેશે દાદાનો તો ફોટોય નથી,
ઇ કોઈ નિશાળે ભણ્યા નહોતા,

દાદા તો બસ દાદા હતા,
ધોળા લૂગડાં પહેરતા,
માથે પાઘડી બાંધતા,
પાંચ માણાહ માં પૂજાતા,
નાતના પટેલ હતા,
નવેય પરગણામાં નામ હતું હો,
પણ દાદાનું કોઈ કાગળીયું નથી.

એ કહેશે તો દાદા ભારતના નાગરિક ન કહેવાય,
એટલે પિતા કે તમેય ભારતના નાગરિક નથી.

તમને ધ્રાસકો પડશે,
તમે કહેશો,
પાંચ હજાર વર્ષથી અમે મૂળનીવાસી છીએ,
અમારી તો પેઢીઓ અહીં જન્મી ને મરી છે,
વિદેશી તો તમે છો, તોય અમે તમને નાગરિક
જ સમજ્યા,
સંવિધાનમાં તમનેય હક આપ્યો,
જીવવાનો, સન્માનનો.
બાબાએ તો તમારા સાથે ભેદભાવ નહોતો કર્યો,
તમારા મનમાંથી ભેદભાવ   કેમ જતો નથી?

અને તોય એ તમને નાગરિક માનવાનો
ઇનકાર કરશે,
તમ વિરોધ કરશો, લડશો, મરશો,
પછી, હળવેકથી એ ઝુકશે,
નિયમ બદલશે,
ને તમારા પિતાના કાગળ પર,
તમને નાગરિક માનશે

બળાત્કાર

તમે જોઈ હતી એને રમતી
ઉછળતી, કૂદતી, હસતી ને ગાતી, ખળખળ વહેતી.
ક્યાં છે એ?
એનું હાસ્ય
એનું મધમધતુ યૌવન
એનું લયબદ્ધ ગાન
એનું સૌંદર્ય...

 એ હવે લુપ્ત થઈ ગયું,
એનું હાસ્ય વિખેરાઈ ગયું,
એનું સૌંદર્ય કરમાઈ ગયું,
એ બની ગઈ જીવતી લાશ..

એક અતિકામિત  પુરુષ,
 અનિચ્છા છતાંય પત્નિ
પર રોજ બળાત્કાર કરતો હોય,
પોતાની કામેચ્છાઓ સંતોષવા
રોજ શરીર ચૂંથતો હોય,
 
ખાતા ન શીખેલું બાળક,
ટીપું ટીપું દૂધ માટે
માતાની મનાઈ છતાંય,
સ્તનો ને ચૂંસી ચૂંસી ને
ભૂખ સંતોષવા પ્રયત્ન કરતું હોય,

એ રોજ ચૂંથાયેલ શરીરવાળી સ્ત્રી,
ઉભું હાડપિંજર જ હોય.
એ ચુંસાયેલ સ્તનોવાળી માં,
સૂકી ઉજ્જડ રણ જેવી જ હોય,

બસ એવી જ...
હાલત થઈ ગઈ છે,
પેલી હસતી, રમતી, કૂદતી,
આનંદ દેનારી નર્મદાની....

એની પર ડેમ બન્યોને,
જાણે એવું જ લાગે કોઈ
રોજ બળાત્કાર કરી શોષી રહ્યું છે એને.

એના શરીર ને નાની મોટી
કેનાલ બનાવી વહેંચી એવી કે,
રોજ મધ્ય ગુજરાતથી લઈને
કચ્છ સુધી એના સ્તનો ચૂંસી રહ્યા સહુ.

એ ડેમ અને કેનાલોમાં વહેંચાઈને,
એ કુપોષિત, હાડપિંજર બની
કુંઠિત બની ગઈ છે,
એનું હાસ્ય, ઉછળકૂદ,
ગીત, ભરપૂર યૌવન
અકાળે વૃદ્ધ થઈ ગયું છે.

ને આપણે સહુ ભેગા મળીને,
નર્મદે સર્વદે નર્મદે સર્વદે
ના બરાડા પાડી રહ્યા છીએ.....

31/12/2019.

ક્ષણિક આવેગની વાત છે

ક્ષણિક આવેગની વાત છે રે ભાઈ મારા,
ક્ષણિક સંવેદનાની વાત છે.

ઉઠાવો તલવાર બનાવો મંદિર,
ચાલો કરો ધર્મનું ધીંગાણું.
ક્ષણિક આવેગની.....ભાઈ...

અલ્લાહુ અકબર પોકારો બાંગ,
બનાવો મસ્જિદ તેજ ઠાર.
ક્ષણિક આવેગની..... ભાઈ...

આતંકી હમલે મરાયા સૈનિકો,
હવે યુદ્ધ એ જ કલ્યાણ.
ક્ષણિક આવેગની... ભાઈ....

નાની શી દીકરીને  રગદોળાઈ જોઈને,
ફાંસીએ લટકાવો, જીવતો સળગાવો.
બૂમો પાડે લોક હજાર...
ક્ષણિક આવેગની ... ભાઈ....

ભૂલશે સર્વ લોક, આક્રોશ કે વેદના,
બે પાંચ દિવસો જ્યાં વિતશે..
ક્ષણિક આવેગની ... ભાઈ....

......કુસુમડાભી...18/2/2019....

Woman day special



શિયાળાની ટાઢમાં
એ ઉઠતી,
ચૂલો પેટાવતી, રોટી શેકતી,

બરાબર પાંચ વાગ્યે એ
બીજાઓ સંગે સીમની
વાટ પકડતી.
હાથમાં દોરડાંને કુહાડી,
ત્રણ-ચાર ગાઉએ
ચાલી નાખતી.

રસ્તે આવતી વાવે ઉતરી
ઠંડો કોઠો કરતી.

બે કલાકની મહેનતેએ
બાવળ કાપીને
ભારો બાંધતી.

બે મણનો ભારો માથે
ઉપાડતીને ચાલતી પકડતી.
પાછા જ્યારે એ વળતી,
સૂરજનાં કિરણે ચળકતી.
જ્યારે, 
પાનીથી ઢીંચણ સુધીની
સાડીનો છેડો વાળીને
કમરે ખોસતી.

ત્યારે, 
ઢીંચણથી નીચે 
લાલ-લાલ આડા-ઉભા 
લીટાઓ ઝળકાવતી,
કાંટાની ડિઝાઈન દેખાડતી.
માથે ઉપાડેલ ભારામાંથી કાંટો
જો વાળમાં વાગતો
તો,
ફૂટેલા માથામાંથી નિકળેલી
લોહીની નદીની શેર
કપાળે થઈ નાકે
સૂકાતી.

એ ભારા સંગાથે
વાતો કરતી 
જ્યારે, ઘરે આવતી,
ઓટલે બેસી લેશન કરતી
દીકરી દોડીને,
પાણીનો લોટો ધરતી.

થાકલો ખાવા ઓટે એ બેસતી,
સાડીના પાલવે બાંધેલાં 
મુઠ્ઠી બોર બાળકોને આપતી.
હથેળીમાં રહેલી કાંટાળી ફાંસ
પછી, એની દીકરી 
સોયથી નીકાળતી.

દસેક મિનિટની રીસેસ પછી,
બાઈ ફરી ઘરના કામે ચડતી.
બસ, આમ જ ગરીબ,
મજદૂર બાઈ જિંદગી જીવતી.
 

 

વુમન ડે

પરોઢે ઉઠી
ચૂલે રોટલા ટીપી
ટિફિન ભરીને
એ ઉપડી.

રોજ મોડી આવતી
ST હજુય ન આવી!
એ ગઈ બારીએ,
પૂછ્યું,
ST તો નહીં આવે આજે.
કેમ?
આજે વુમન ડે છે.
CM ના કાર્યક્રમમાં
બસ મુકાઈ,
બળ્યો તમારો
વુમન ડે,
ઇ વળી કયો ડે?

હવ, ઝટ શટલ ભરાય
તો કામનું.
આ રોજ ઉઠીને 
નરા દી જ ઉજવે?
કામે મોડા પોચીએ,
રોયો ઓલો નવો સાહેબ
ફટાક દઈને પગાર કાપી લે.
તેલ લેવા જ્યો વુમન ડે!

અમારે
તો
રોજ રોજ
કારખાનાનો
મજૂર ડે જ
ઉજવવાનો...
 

નથી જોતી જા

તારી પોકળ સલામતીની
વાતો નથી જોતી જા,

તારી પોસ્કો ની કાનૂની
કાર્યવાહી નથી જોતી જા,

તારી અભયમ હેલ્પ લાઇન
પણ નથી જ જોતી જા,

તારી મહિલા સશક્તિકરણની
ગ્રાન્ટનો રૂપિયો નથી જોતો જા,

તારી 8 માર્ચના એવોર્ડ ને 
પ્રશસ્તિ પત્રો નથી જોતા જા,

તારી લક્ષ્મીદેવીની પૂજા
નથી કરાવી જા.

આ એકેય અમને નહિ ખપે જા,
આ એકેય અમને નથી જોતું જા,

અમને તો જોઈએ સ્વતંત્રતા,
 નિર્ભયતા અને  આત્મ નિર્ભરતા.

અમને જોઈએ આત્મસન્માન,
અને  મનુષ્ય હોવાનું ગૌરવ .

ચલ કાલથી ભૂલી જઈએ,
તું પુરુષ અને હું સ્ત્રી હોવાનો ભેદ,
આપણે ફકત મનુષ્ય બની રહીએ.

.............................................
तेरी जूठी सलामती वाली बाते
 नहीं चाहिए चल जा।

तेरी पोस्को की कानूनन कार्यवाही
नहीं चाहिए, चल जा।

तेरी अभयम हेल्प लाइन भी
नहीं ही चाहिए, चल जा।

तेरी महिला सशक्तीकरण  ग्रांट
का एक रुपया भी नहीं चाहिए, चल जा।

तेरे 8 मार्च के एवॉर्ड, सन्मान पत्र
नहीं चाहिए, चल जा। 

तेरी लक्ष्मी, देवी की पूजा
नहीं करवानी चल जा।

इनमें से एक भी हमे नहीं चाहिए,
हमे तो चाहिए स्वतंत्रता,
निर्भयता, ओर आत्म निर्भरता

हमें चाहिए आत्म सम्मान
ओर मनुष्य होने का गौरव।

चलो कल से भूल जाए,
तू पुरुष ओर में स्त्री होने का भेद,
ओर हम सिर्फ मनुष्य
 बन के जिए।.

2001 નો ભૂકંપ


26 જાન્યુઆરીની એ ગોઝારી સવારે
ધડાધડ ટપોટપ મરેલા લોકો,
2 મહિનાનું બાળક ને 22 વર્ષનો યુવાન,
12 વર્ષની બેબી ને 82 વર્ષની દાદી પણ,
કોઈ નાત જાત જોયા વિના,
કુદરતે વરસાવી હતી કહેર,
ને એમ અસંખ્ય જીવો 
જીવતા જ દટાઈ ગયેલા ભૂમિ માં.

માનવતા, દેશભક્તિ, એકતા,
દયા, દાન, બધી બાજુ અનુભવાતું હતું,
પછી, ધીમેથી આવ્યા હતા મેસેજ,
અસલ માનવતા વિહોણા ચહેરા
ચડેલા નજરે...

મડદા પરથી ખેંચી ખેંચી ને,
હાથ પગ કાપીને પણ,
લઈ લીધેલા ઘરેણાં,
મોતનો મલાજો
મૂકીને.

વળી, સમયે ઘા રૂઝાવ્યો હતો ત્યાં,
સામે આવેલા કોભાંડો એમના,
ખાઈ પી ગયેલા કાટમાળને
નાસ્તો સમજી.

માનવતા, ધર્મની વાતો કરનારા,
એમાંથી ઉગાર્યા, ઊભા થયા ત્યાં,
ધર્મના નામે ફરી મારવા કાપવામાં
નહોતા પડ્યા પાછા,
ચલાવી સામસામે તલવારો,
પેટના બાળકને, બાયુને ન્હોતી છોડી,
ધર્માંધ છૂરાઓ એ.

ફરી દયા, કરુણા, માનવતા ના રાગ
આલા પેલા....
ફરી તમે એજ કરી 
રહ્યા છો દેખાડા,
હજુ પણ એવું જ થવાનું
જોયે રાખો.
રહેવા દયો, સમજી ગઈ છું,
ઓળખી ગઈ છું,
તમારી બધાની દેશભક્તિ
રાષ્ટ્રવાદ, માનવતા, વગેરે વગેરે ને....

27/3/2020

ચિનગારી

પંચાવન ડીગ્રી તાપમાને
કેટલાય કીમી દોડતો દોડતો
આવ્યો.
એવો અકળાયો કે,
ઠંડા પાણીની બોટલને
આખા શરીરે છાંટી.
અને પછી, એક દીવાસળી
શરીર સમીપે લીધી.
એ ભડભડ સળગ્યો.

દોડ્યો, પડ્યો,આખરી 
જંગ જીવન સાથે લડ્યો.
પણ, એ હાર્યો તોય જીત્યો.
એક ચિનગારી જલાવી, 
પોતાના શરીર ઉપર,
બીજી ચિનગારી જલાવી,
વેરવિખેર સમાજ ઉપર.
 

એ મોત સામે 
ઝઝૂમ્યો  
જીવ્યો
લડ્યો
ડાઈંગ ડિકલેરેશન માં
બોલ્યો
જય ભીમ.

એના મોત પર
પત્ની બોલી
જય ભીમ
એની લાશ પાસે
સમાજ બોલ્યો
જય ભીમ
એના જનાજામાં
સમાજ રડ્યો
બોલ્યો જય ભીમ.


13માર્ચ 2018

કૂતરાપણું

કેટલાય દિવસનો ભૂખ્યો
ચોંટી ગયેલ પેટ એવું કે,
પેટ અને પીઠ ની ચામડી
એકબીજાને સ્પર્શતી ભાસે,

શ્વાસ લેવામાં  થાક લાગે
બોલવામાં  હાંફ લાગે,
ચાલવામાં પગ ધ્રૂજે
આંખે અંધારા આવે,

બટકું રોટલો માટે ફાંફા મારે
સ્વમાન મૂકી  ભીખ માંગે,
લોહીના આંસુએ રોતો
મોત ને એ આવકાર આપે,

રસ્તે જોયું જ્યાં દૂધ ઢળેલું,
કૂતરા ને ચાટતા જ્યાં જોયું,
ભૂખની એ ચરમ સીમાએ,
ચાર પગે પડ્યો સંગે,
ચાટ્યું દૂધ ને ભૂખ સંતોષી,
કૂતરા સમાજે સાથ આપ્યો,
ન એકેય ભસ્યા કે કરડયા,
કૂતરાં પણા ની લાજ રાખી,
ને એને આભાર બતાવી,
ચાલ્યો ફરી ઘરના રસ્તે,

રસ્તે મોટી લાઈન જોઈ,
રાહત સામગ્રી વહેંચતા દીઠા,
જઈને જ્યાં નજીક પૂછ્યું,
મનેય મળશે રાશન થોડું?
નામ વગર ના કોઈને મળશે,
ચાલ્યો જા હટ કહેતા બોલ્યા,
ને એ હસી ને ચાલ્યો,
માનવતા ની હાંસી ઉડાવતા,
કૂતરાપણાં ને સલામ ઠોકી.


16/4/2020........

આજીવન અનામત

ખળખળ વહેતુ ઝરણું
કોયલનું કૂહુ કૂહુ
મોરલાનો થનગનાટ
વસંતમાં ખીલેલા પુષ્પો,
એ પ્રકૃતિ મને ગમે છે.

નાનું સુંદર ભોળું બાળ,
રૂપાળી કામણગારી નાર,
બત્રીસ લક્ષણો કામણગારો નર,
એ બધુંય મને આકર્ષે છે.

કવિતા મુક્તક દુહા,
છંદ અને અલંકાર,
ગીત ગરબા ને ગઝલ,
એ બધુંય મને આવડે છે.

એ બધાય વિશે અઢળક 
લખી શકું છું..
તમારી જેમ જ લખી શકું છું.

પણ, નથી લખતી
મારે લખવુય નથી,
લખીશ પણ નહીં.

કારણ મારી કલમ 
પીડિત શોષિત સમાજ કાજે
આજીવન અનામત રાખી છે.
 

ન્યાય

એણે જોરથી ગાલ પર એક ઝાપટ મારી,
હું સમસમી ઉઠી,
મે તો હજુ આંખો જ કાઢી એની સામે,
કઈક બોલું એ પહેલા એણે
એક ગાળ ભાંડી,
 ને એ બધું કેમેરા માં કેદ થઈ ગયું,
વાયરલ વિડિયો મોબાઈલ મોબાઇલ ફર્યો,
ફરતો ફરતો મનેય મળ્યો.

એ વાતને તો વર્ષો વીતી ગયા હતા,
મારું મો બંધ કરવા ડરાવવા ધમકાવવા માં
કશું બાકી ન્હોતું રહ્યું,
હું બધો ક્રોધ પી ગઈ હતી,
કડવું ઝેર પીને જીવી રહી હતી.
ત્યાં ફરી એ જ દ્રશ્ય સામે આવી ગયું.

પણ,
આ વખતે એ હાથ જોડી ઊભો હતો,
કરગરી રહ્યો હતો, બે હાથપગ ને
ત્રીજું માથું જોડી માફી માંગી રહ્યો હતો.

ન સહી કે ખમી શકાય એવી
અકળામણ હતી,
એ ઊભો હતો સામે જ
ને હું બેઠી હતી
જ્જમેન્ટ આપવા ખુરશી પર.
 
સમયની પણ ગજબ બલિહારી હતી,
એક દિવસ એ ધર્મની ખુરશી પર
બેસી મને ભાંડી રહ્યો હતો,
ને આજે હું
ન્યાયની ખુરશી પર બેસી
એનો જ ન્યાય કરી રહી હતી.
 

Yes, I can't breath!

#yesIcantbreath

Yes, I can't breath!
હે અશ્વેત આફ્રિકન આ ફકત તારા એકલાનો પ્રશ્ન નથી,
આ તો શાશ્વત પ્રશ્ન છે સમગ્ર બ્રહ્માંડ નો.

ભારતના દરેક નગરમાં,
નગરના દરેક મહોલ્લા માં,
મહોલ્લા ની દરેક ગલીઓમાં,
ગલીઓના દરેક ઘરોમાં,
કોઈ છે જે તારી જેમ જ કહે છે,
Yes, I can't breath!

કોઈ અછૂત છે, કોઈ મજૂર છે,
કોઈ કાળું કે કદરૂપું છે, તો કોઈ છે પર પ્રાંતીય.
કોઈ સ્ત્રી છે, કોઈ બાળક છે, તો કોઈ છે નાન્યેતર જાતિનું.
એ દરેક બસ તારી જેમ જ બોલ્યા કરે છે,
Yes, I can't breath!

કોઈ બંધુઆ મજૂર છે, કોઈ છે સફાઈ કર્મી,
કોઈ કોલસા કાઢતો ખાણિયો છે,
કોઈ છે ખેડુ ભૂમિહિન.
કોઈ છે કચરા પોતા કરતી બાઈ,
 કોઈ છે મેલું ઉપાડતી દાઈ,
કોઈ છે શરીર વેચતી મજબૂર આઇ,
ને એ બધા તારી જેમ જ કહે છે,
Yes, I can't breath!

કોઈ  ચા ની કીટલી એ બાળક નાનું,
કોઈ  રેસ્ટોરાં એ ટેબલ ઝાટકતું છાનું,
કોઈ ખભે થેલી રાખી ફરતું, વીણતું કચરો ઢગલે,
કોઈ ઢોર ચરાવ તું, વાસીદું કરતું ઘરનું,
એ સર્વ પણ તારી જેમ જ બોલ્યા કરે છે,
Yes, I can't breath!

ઘૂંઘટમાં ઘૂટન છે,
જાતિ, ધર્મમાં ઘૂટન છે,
મજૂર માં ઘૂટન છે,
બાળક, સ્ત્રી માં ઘૂટન છે,
કોર્પોરેટ માં ઘૂટન છે,
નોકરી ધંધા માં ઘૂટન છે,
તકલીફ એમની એ જ છે કે,
એ બધા સાથે મળી ગ્રેટ અમેરિકન ની જેમ
કહી નથી શકતા એક અવાજમાં,
Yes, We All can't breath!


એક પુરુષ



એક પુરુષ
યુ નો,
આ પુરુષ તમને હાલતા ચાલતા
ડગલે ને પગલે મળી જશે.

નાનો મોટો
કાળો ધોળો
ઊંચો નીચો
અમીર ગરીબ
દંભી સ્વાર્થી
કામી નામી
વેપારી પૂજારી
નેતા અભિનેતા
ભોળો લૂચ્ચો
શેઠ નોકર
એકેક સ્વરૂપે મળી જશે.

યુ નો,
આ પુરુષ જબરો બહુ,
એની જનનેદ્વિયો પર એનો કાબુ જરાય નહીં,
એની આવેગોની તીવ્રતા ઉભરાતા દૂધ જેવી,
એના દેખાડવા ને ચાવવાના બેય જુદા,
એવો બહુરૂપિયોય ખરો.

યુ નો,
આ પુરુષ ને મન સ્ત્રી એટલે.....
રમકડું, પગની પાની, 
આવેગ શાંત કરવાનું મશીન,
વંશ વધારવાની સીડી,
તમામ જરૂરિયાત પુરી
કરતું મફતિયું મજૂર,
ને ગુસ્સો ઠાલવવાનું
મુંગું સાધન.

યુ નો,
આ પુરુષ ને 
કાળી ગોરી
ઊંચી નીચી
જાડી પાતળી
નાની મોટી
ગરીબ અમીર
અભણ ભણેલી
રૂડી કદરૂપી
કુંવારી પરનેલી
બધીય ચાલે,
વાત જ્યારે એના આવેગો ની આવે.....

યુ નો,
એટલે જ કહું,
આ પુરુષથી
ચેતવી ને રે જે બાઈ...

દુભાય લાગણીઓ.

લાગણીઓ પણ કેવી ખરું ને!
રોજ રોજ દુભાયા કરે,
દેવ મહાદેવ, માતાજી પિતાજી
ઈશ્વર, અલ્લાહ ને ઈશુ,
કોઈને કોઈના નામે બસ દુભાયાં જ કરે.

આવેદનના કાગળિયાં લખાય ને,
ઘાસના પૂતળાં ને ચંપાય દીવાસળી,
ઘર, મંદિર, મસ્જિદ, ચર્ચ ની બહાર
દોડી આવે ઠેકેદારો, 
મીડિયા માં ડીબેટુ ઉપર ડીબેટુ થાય. 
તોય ન કોઈ ઉકેલ આવે, ન લાવે. 

લાગણીઓ પણ કેવી!!
કુણી કુણી, ઝીણી ઝીણી,
ભીની ભીની, ને પાછી બટકણી,

જબરીએય ખરી હો, આ લાગણીઓ,
બસ હાલતાં ચાલતાં દુભાઇ જાય,
પાનખરના પીળા થયેલ પાંદડા જેવી,
જરીક પવન વાય ને ખરી પડે,
એમ દુભાય જાય,

બટકણી પણ એવી,
હાલતાં ચાલતાં બટકી જાય,
બટકણાં ઝાડ ની ડાળી જેવી,
બસ અડો ને કકડભૂસ થઈ બટકી પડે,

 હજારો મૃત્યુ પર આંસુ નું ટીપુંય
ન પાડતા, લાગણીશીલીયા
ઠેકેદારો ની લાગણીઓ,
દુભાય જાય બસ એક
માખી જો ભૂલથી બેસી જાય
પ્રસાદની થાળી ના એક પેંડા પર,
દુભાય જાય જો લીલી ચાદર
ક્યાંક અડી જાય કોઈ બાઈ,

પણ, ના દુભાય ભલે ને
કોઈ 5, 25, 55 વર્ષની
સ્ત્રી પર બળાત્કાર થાય,
ના દુભાય ભલેને
કોઈ વંશીય જાતીય હુમલા કરે,
મુતર પીવડાવે, નગ્ન કરી ફેરવે,
ગાડી એ બાંધી મારે,
મૂછો, મોજડી ઉતરાવે,
કે પ્રેમી જોડલા ને રિબાવી રીવાવી મારી નાખે.
તોય જરી ય ન દુભાય એવી લચીલી લાગણીઓ.
 

રાત અને દિવસ


ખટાક
બારણું ખુલ્યું
તીવ્ર ગંધ ફેલાઈ
ઇ ફફડી ને સંકોચાઈ
એ નશાખોર જાનવર બન્યો
નિ:શબ્દ, નગ્નતા ચુંથાઈ
એ પડખું ફર્યો, ઠરી ગયો.
ઇ સુકાયેલાં આંસુથી ભીંજાઈ.

ફટાક
પ્રકાશ ફેલાયો,
ટિફિન ભર્યું, રંગીન બની
ઇ બાહોપાશમાં સમાઈ
નિઃશબ્દ, નગ્નતા વેચાઈ
એ પડખું ફર્યો, ઠરી ગયો.
ઇ કડકડાટ નોટોથી છલકાઈ.

એને અને તેને

 

એણે
કુટુંબની
લાગણી સમજીને
સમાજની સડેલી માનસિકતા
સાથે સમાધાન કર્યું.

તેણે
કુટુંબની
પ્રતિષ્ઠા છોડીને
સમાજની સડેલી માનસિકતા
સામે બંડ પોકાર્યું.

એને
કુટુંબે
અબળા સમજી
સંતતિ ઉત્પાદનનું
મશીન સમજી તરછોડી.

તેને 
કુટુંબે
કુલદીપક સમજી
વીર્ય-ઉત્પાદકનો
વીર (સ્રોત) સમજી અપનાવ્યો.

 

ઇમની સંસ્કૃતિ

 પરદાદી એમના
વાસીદા કરતી, 
એમણે વખારમાં શોષણ કર્યું

દાદી એમનાં ખેતરુમાં  સલો કરતી,
એમણે ખેતરુમાં શોષણ કર્યું

માડી એમનાં ઘરોમાં કચરાપોતાં કરતી,
એમણે ઘરોમાં શોષણ કર્યું

હું એમના બંગલા બનાવવા 
દાડિયું કરતી, 
એમણે બંગલામાં શોષણ કર્યું

આ છોડી 
ભણી-ગણી 
એમની ઓફિસુમાં નોકરી કરતી,
એમણે ઓફિસુમાં ય શોષણ કર્યું

આ શોષણ 
સામંતોનો વારસો છે. 
ઇમની સંસ્કૃતિ છે
ઇમના લોહીમાં ઊતર્યું છે.

છતાંય

મિલન.
ભૃણનિર્માણ.

ત્રીજે માસે
આકારિત થઈ.
ગર્ભિત.
પરીક્ષણ.

પછીય અવતરિત થઈ.
વિકસી ઉછરી
ઉલ્લાસિત થતી એ 
કાને, નાકે વિંધાઈ 
શાપિત થઈ.

પાયલની બેડીઓમાં
ઝકડાતી ગઈ.
તરુણી હવે
રોમાંચિત થઈ
દુપટ્ટાની આડાશે
સંતાતી થઈ
રમતી ભણતી
સંસ્કારિત થઈ
સમાજની બેડીઓમાં
ઝકડાતી ગઈ.
લાયકાત મેળવી
ઉત્પાદિત થઈ

તોય
મધ્યમવર્ગીય પુરુષપ્રધાન સમાજે
બંધાતી જ રહી.
એ હવે ઉત્પાદિત

છતાંય
શોષિત પીડિત શ્રમિક
ને અબળા જ રહી 
ન હજુએ સન્માનિત થઈ.

ઝગમગી ઊઠ્યા

 
ગામના છેવાડે એનું ઘર
ના ના ઘર તો કેમ કહેવાય?

ત્રણ બાજું ટીંગાતાં કંતાન
ઉપર બાવળની ડાળખીનું માળખું
માળખામાં વાંસની ચોકડી
ચોકડી પર કંતાન, પ્લાસ્ટિક, ટાયર.
ખુલ્લા ભાગે દરવાજો
ના ના દરવાજો કેમ કહેવાય?

તેલના કટાયેલા ડબ્બા તોડી-ટીપીને
બનેલી આડશ માત્ર.
અંદર
ત્રણ પડદાંની વચ્ચે એક કુટુંબ
ના ના કુટુંબ તો કેમ કહેવાય?

પતિ, પત્ની, દીકરાં, ગલૂડિયાં, કૂકડાં,
તિરસ્કૃત સમાજ માત્ર.
ભર શિયાળે
ના ના શિયાળો શાનો?

ઓખી વાવાઝોડાના વરસાદે
ડિસેમ્બરની કાતિલ ઠંડીમાં
સૂતેલાં એકબીજાને લપાઈને.
બે-ચાર પગવાળા લોકોનો વિકાસ
અચ્છે દિન ઝગમગી ઊઠ્યા...

 

ઝૂકતી

કપાસના ખેતરે
ફાટેલા ચણિયાની બારીએથી 
દેખાતા કાળામેશ ઢીંચણે 
એમની નજરો તાકતી.

સાઇટ પર
માલમાં નખાતી રેતી-કપચી ભરતાં
એ જ્યારે ઝૂકતી
એના બ્લાઉઝની વચ્ચે, તિરાડે
દેખાતાં ઊભરતાં સ્તનોને 
એમની આંખો ઘૂરકતી.

માસ્તરોની ટ્રેનિંગમાં અભિનય કરતી
એની દક્ષિણી સાડીમાં 
બાજુએથી દેખાતાં વક્ષસ્થળોને
એમની નજરો જોવા મથતી.

વોકિંગ, ટોકિંગ, શોપિંગ માટે
જીન્સ, ટી-શર્ટમાં એ નિકળતી,
ટી-શર્ટમાં ઊભરતાં સ્તનોને જોવા
એમની આંખો ઘૂરકતી.

પણ,
ખેતર, સાઇટ, ટ્રેનિંગ, શોપિંગ એકેય સ્થળે
એમના કોઈપણ અંગને અજાણતા દેખાતા
એની આંખો હંમેશા ઝૂકતી.

 

સમાગમની ભીખ



રસ્તે રખડતી ભટકતી
વેરવિખેર વાળ સાથે ફરતી
દાયકા જૂનાં
મેલાં લૂગડાંથી શરીર ઢાંકતી
કંઈ કેટલાંય બાકોરાંમાંથી
કાળામેશ ઢીંચણને, સાથળને સંતાડતી
હાલતાં-ચાલતાં
ટીખળિયાઓથી ડરતી પથ્થર ફેંકતી
એ જીવતી લાશ બની તોય જીવતી
શિયાળે ઠરતી ઉનાળે હાંફતી
ચોમાસે થરથર કાંપતી
દી ઊગે ને આથમે
એ હાથે જ્યારે ખાવા-પીવાનું માંગતી
સજ્જનોની વાણી: 'આઘી જા, હટ!'
તિરસ્કાર ભરી નજરે
એને તાકતી
રાતના અંધારે
એ જ સજ્જનો દુર્જનો બની
એ માંસના લોચા નિચોવતા
ગાંડી, પાગલ 'ડાકણ'રૂપી મા
તોય,
સજ્જનોના સમાગમની ભીખને
ખોળે રાખી હેતથી પંપાળતી...

(St. સ્ટેન્ડમાં જોયેલી એક પાગલ સ્ત્રીના ખોળામાં બાળક...અચાનક મનમાં યાદ આવ્યું આ)

સદીઓ પુરાણો

 એમણે કહ્યું,
'કવિતા લખો !
બીજી એપ્રિલના બંધ પર.'

મેં કહ્યું
શું લખું?
શબ્દો ભાગે છે દૂર,
મન અસ્વસ્થ છે.

પીડિતજનો ધકેલાયા જેલમાં 
અને મારનાર સેના આવી છે ગેલમાં,

ગોળીએ વીંધાયા બાબાના દીકરા.
સત્તા શું મળી મનુવાદીઓને,

ભૂલ્યા છે ભાન ખુરશીના નશામાં.
એ વિદેશી હતા, છે અને રહેશે,
એ જ કરી રહ્યા સાબિત જો.
આંગળીથી નખ રહે વેગળા

એમ આર્યો રહ્યા વેગળા
હજારો વર્ષ પછીય.
રૂપાળા મનુવાદી આર્યોના હાથે
મર્યા દસ અનાર્યો.
તોય સાબિત થઈ દોષિત 
પીડિત અનાર્યો પુરાઈ રહ્યા જેલમાં.

સત્તાપક્ષ, મીડિયા, 
ધર્મના ઠેકેદારો, વિવેચકો 
પહેરીને બેઠા છે કેસરી ચશ્માં.

હવે, સમજાય છે મને,
કર્ણ, એકલવ્ય 
શંબૂક, બલિરાજાના મોતનું રહસ્ય.
કોણ હતા દોષિત
કોણ હતા પીડિત
આ ખેલ સદીઓ પુરાણો છે
ભારતમાં વિદેશીઓ સાથે
જંગે ચડ્યા કાયમ મૂળનિવાસીઓ છે.

બે સેકન્ડ મોટી

--------



અમે જન્મ્યાં સાથે
બસ બે સેકન્ડના અંતરે
એ નાનો ને હું મોટી
એને કુલદીપક કહ્યો મને લક્ષ્મી.
એ લાડકો ને હું લાડકી.
રડ્યાં, હસ્યાં, ધાવ્યાં
લાડ પણ કર્યાં સાથે.
પગમાં સાંકળિયાં ખમક્યાં
પાનીમાં મોજડી ચૂં ચૂં થઈ
અને ચાલ્યાં સાથે.
પછી,
મારાં કાન, નાક, પગ, હાથમાં
બેડીઓ જડાણી.
એનાં કાન, નાક, પગ, હાથમાં
મુક્તતા સોહાણી.
ભણ્યાં, ગણ્યાં, લડ્યાં, રમ્યાં સાથે
યુવાન થયાં
પાબંદી મુકાણી બહાર ન જવાની
ને એ સ્વતંત્રતાને પામ્યો.
બે સેકન્ડ મોટી છતાં
મારા પર પહેરેદારી
એને...

હસતા રહ્યા

 

હસતા રહ્યા 

ચાલીસ બેતાલીસ 
ને પછી તેતાલીસ
ડિગ્રીઓ રોજબરોજ વધતી ગઈ.
ચાર દીવાલ પર રહેલાં નળિયાં
ઊકળતાં ઊકળતાં ને બસ ઊકળતાં જ રહ્યાં.
નળિયાં નીચે આખો દિવસ
ચરખો કાંતતાં કાંતતાં 
રૂની ગૂંગળામણમાં
એના શરીર પર પાણી નીતરતાં રહ્યાં.
આંગળીથી 
કપાળે નીતરતી પરસેવાની નદીને 
ઢસરડતાં ઢસરડતાં જમીન પર ફેંકતા ગયા.
રાતે ખુલ્લા આકાશે
વાદળાં દોડતાં જોઈ
'વરસી જા વરસી જા બાપલિયા' કહેતા ગયા.
એ રાતે એવો તે વરસ્યો 
કે તૂટેલા નળિયાંમાંથી નદી-નાળાં વહેવાં લાગ્યાં
નળિયાં વચ્ચે વહેતી નદીઓને ડોલમાં ભરી
આખી રાત ઊલેચતા રહ્યા ઊલેચતા રહ્યા.

હળ જોડી નીકળેલા ખેડૂતે
'ચ્યમ રહ્યું, બાપા, રાતે વરસાદે ?' પૂછ્યું,
'એ ઘણી ખમ્મા મેહુલિયાને' કહી 
ઉજાગરો ભૂલી 
પલળેલા ગોદડાને નિચોવતાં નિચોવતાં
ખેડૂતના ચહેરાને તાકતાં તાકતાં
હસતા રહ્યા બસ હસતા રહ્યા.

ખુરશી ખતરામાં


 

જય શ્રી રામ જય શ્રી રામ
હૈયે હરખ ન માતો.
શબરી-કેવટ- હનુમાનના વારસોને
કહેણ આવ્યા અયોધ્યાથી.
રામલલ્લા બોલાવે
હૈયે હરખ ન માતો.
ડોહી-ડોહા બીવી-બચ્ચાં
આંનદે કિલકિલતાં
કપાળે તિલક ગળે ફૂલહાર
પ્રવેશ્યા ટ્રેનદ્વારે
બકરો ચાલ્યો જાણે બલિ થવા મંદિરે
બેઠાં ડબ્બે, નાસ્તા-પાણી
મોજમજા- રામધૂન સંગાથે
હિંદુ હિંદુ બસ હિંદુ સૌ
ન કોઈ જાતિ-પાતિ
કેવા છો? ક્યાંના છો?
સવાલો જ્યાં કર્યા એકબીજાને
ન કોઈ બ્રાહ્મણ ન કોઈ વાણિયો
ન કોઈ દરબાર નીકળ્યો.
વણકર કોળી રોહિત બાવા
કણબી આદિવાસી નીકળ્યા
મજૂરી ખેતી જોડા સીવનારા
ઝૂંપડા-પોળ-ચાલીવાળા નીકળ્યા.
ફરતી ફરતી ટ્રેન ગોધરા પહોંચી
બેય ડબ્બા સળગાવ્યા
રોકકળ વચ્ચે જીવતા ભૂંજાયા
બચાવો બચાવો કહેતા તોયે
રામ ન વહારે ધાયા.
ગોધરાની આગ ગુજરાતમાં ફેલાણી
અનુગોધરા થઈ આગળ ઝિલાણી.
એક બે ને પાંચ દસ વર્ષ પછી
આંખો ખુલી
અપરાધી બહાર ઘૂમે
નિર્દોષ પુરાયા જેલમાં જોને
ન કોઈ મૌલવી ન કોઈ મઠાધિપતિ
એમણે તો બસ 
નાનીમોટી ખુરશીઓ મેળવી.
રાજકારણનો એકડો બગડો
ગરીબોને ન આવડે.
લુચ્ચા-સંધીઓ ગરીબોને હવે
સમરસતાના પાઠ ભણાવે.
ફરી ફરીને રામમંદિરના નામે
ગરીબોને ફોસલાવે.
દોડો દોડો ધર્મ ખતરામાં,
રામલલ્લા બોલાવે.
એવા એવા ભાષણ ઠોકે, 
યુવાનોને ભરમાવે.
'મંદિર વહી બનાયેંગે' કહીને
હિંદુઓને સપના દેખાડે
ન ધર્મ ન રાજ્ય ન દેશ
નથી કોઈ ખતરામાં.
હે ભારતિયો સમજી જાજો,
ખુરશી છે ખતરામાં.
ગરીબ મજદૂર યુવાનો
પછી જીવ ગુમાવી દેશો.
ન રામ ન હનુમાન ન કૃષ્ણ
ન અલ્લાહ બચાવવા આવશે.

મેરિટિયા

 
સાવ અજાણ્યા મારગે 
જોને નીકળ્યા સંગાથે.

તૂટલાં-ફૂટલાં જોડાં 
જોને થીગડિયાં વાઘા શોભે.
ગાભાની બનાવી થેલી 
જોને પસ્તીની નોટો માંહે.

પાંચ સેતરવા દોડ્યા
જોને નિહાળ ત્યારે ભાળે.
નીતરતા પરસેવે પછી 
જોને સાવરણી પકડીને વાળે.

નળિયાંવાળા ઓરડા 
જોને ઉબડ-ખાબડ તળિયું વાગે.
ગંદું ગરમ પાણી પીતા 
જોને ખીચડીમાં કંકર આવે.

પેટ ને સ્લેટ ભરાતાં 
જોને દિમાગે જ્ઞાન જાગે.
ભણીગણીને આવ્યા 
જોને આ મેરિટિયા* હિસાબ માગે.


 
*મેરિટિયા - બિનઅનામતિયા

સટાક

એક'દિ તુલસીદાસ ને વાંચવા બેઠી એ સ્ત્રીને ચોંકી ઉઠી,  ઢોલ ગવાર શૂદ્ર અપી નારી, સબ તાડન કે અધિકારી. ને પછી તો,  સંસ્કૃત માં પીએચડી કર્યું,...